Posted in ગઝલ on August 7, 2009 |
12 Comments »
૭ ઓગસ્ટ, ૨૦૦૬ની સાંજ. મહત્વની ચીજોને બચાવવાની વ્યવસ્થા થાય એ પહેલા જ ઘરમાં પ્રવેશીને સડસડાટ પાંચ ફૂટ સુધી ભરાયેલાં પાણીએ પછી તો ચાર–ચાર દિવસનો ધામો નાખ્યો. અને ટૂકા પગારમાં બહુ ભાવપૂર્વક વસાવેલી ઘરવખરી, હ્રદયના ટુકડાં સમાં કેટલાય પુસ્તકો, બાળપણથી તરુણાવસ્થા સુધીનાં ફોટોગ્રાફ, આકાશવાણી પરનાં પ્રથમ કાવ્યપઠનની કેસેટ, અન્ય અનેક યાદગીરીઓ અને ચાર–ચાર દિવસની ઊંઘની ઉઘાડી લૂંટ કરીને પાણી તો બિન્દાસ જવાં લાગ્યાં. લ્યો બોલો ! પણ હું એને આમ તે કંઇ જવા દઉં કે ! મેંય એની પાસે એક ગઝલની ઉઘરાણી કરી લીધી… આ જુઓ…છે ને !
દોડતાં આવ્યા અને પળમાં જ ડુબાડી ગયાં,
પાણીને લાગી તરસ તો શહેર આખું પી ગયાં!
સ્વપ્ન જાણે આંખનું સરનામું પણ ભૂલી ગયાં,
એમ દિવસો સાવ ખુલ્લી આંખમાં વીતી ગયા.
આમ જો કે મૃત્યુંથી તો કોઇ ’દિ બીતા નથી,
દીકરીને ભૂખ લાગી એટલે ધ્રુજી ગયા.
પૂરનાં જળની સપાટી ના વધે બસ એટલે,
આંખનાં પાણીને લોકો આંખમાં રોકી ગયાં.
દોસ્ત ઘરવખરીની સાથે કેટલી યાદો ગઈ,
પાણી તો વીત્યા સમયની જિંદગી તાણી ગયાં.
આ તબાહી ભૂલવી સહેલી નથી પણ તે છતાં,
તે છતાં સદભાગ્ય એ કે બસ… અમે જીવી ગયાં.
કિરણસિંહ ચૌહાણ
Read Full Post »