Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગઝલ’ Category

અરમાન નહિ આપું

ન પૂરાં થાય એ અરમાન નહિ આપું,

હ્રદયના સાગરે તોફાન નહિ આપું.

 

બધી વાતોને હૈયે સ્થાન નહિ આપું,

ને તારી યાદ પર વ્યાખ્યાન નહિ આપું.

 

હું હારીશ એમાં તો બિલકુલ નથી શંકા,

પરંતુ જીત કંઇ આસાન નહિ આપું.

 

તને હું સૂર આપું, શબ્દ પણ આપું,

સમજવા માટે મારી સાન નહિ આપું.

 

મને મારી જ એકલતાએ શિખવ્યું છે,

તને હું કોઇ પળ વેરાન નહિ આપું.

 

કિરણસિંહ ચૌહાણ

Advertisements

Read Full Post »

સ્મરણ માટે

મળ્યું’તું કોઇ એક જ વાર, તે પણ અડધી ક્ષણ માટે,

મિલન બસ એટલું કાફી હતું  એના સ્મરણ માટે!

નિખાલસ ગુફ્તગૂ ને શબ્દમય વાતાવરણ માટે,

ગઝલનો બાગ ખુલ્લો મૂકું છું પ્રત્યેક જણ માટે.

તમે આકાશ થઇ કાયમ ટકી રહેશો આ દુનિયામાં,

તમારી દૃષ્ટિની તૈયારી હો જો વિસ્તરણ માટે.

ભરી શકતો નથી ડગલુંય જે પોતાની મરજીથી,

એ પર્વતને તણખલું રોજ ઉશ્કેરે તરણ માટે.

સતત દોડીને તૂટી જાય, હાંફી જાય… અંતે શું?

બધાં જીવે છે આખી જિંદગી જાણે મરણ માટે!

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

મિત્રો,

‘સાંનિધ્ય પ્રકાશન’ના કાર્યને આપ સૌએ બિરદાવ્યું એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા ઘણા મિત્રોને એવી ચિંતા સતાવી રહી છે કે આ પ્રકાશન પ્રવૃત્તિમાં હું મારી સર્જન પ્રવૃત્તિ ભૂલી ન જાઉં. પણ હું મારા મિત્રોને એવી ફરિયાદનો મોકો નહીં જ આપું એની બાહેંધરીરૂપે આ ગઝલ…

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,

મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?

તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,

ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,

શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

બહુ નથી

એમના રસ્તામાં ઠોકર બહુ નથી,

જેમની દુનિયામાં ઇશ્વર બહુ નથી.

ખુશ થવાના તેથી અવસર બહુ નથી,

સૌને પગ છે, તોય પગભર બહુ નથી.

એને ઉકેલ્યા નહીં બસ એટલે,

પ્રશ્ન ઝાઝા છે ને ઉત્તર બહુ નથી.

મેઘ વરસે તે છતાં દુષ્કાળ છે,

ખેડવા માટેના ખેતર બહુ નથી.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,

આપણી વચ્ચેનું અંતર બહુ નથી.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

સહજ લાગે

તું લબ ખોલે, ષડ્જ લાગે,

ઘણી મીઠી તરજ લાગે.

મેં જોયું વાંસળી દ્વારા,

જગત આખુંય વ્રજ લાગે.

જરા બાળકની નજરે જો,

બધું કેવું સહજ લાગે !

હે ઇશ્વર ! તું કૃપા ના કર,

મને એ પણ કરજ લાગે.

તમારી ઓઢણી ફરકે,

અને સૌંદર્યધ્વજ લાગે.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

સાધના કરવી પડે

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,

નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,

એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,

યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,

અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,

સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

કરગરી રહ્યાં

પૂછી જુઓ આ જાતને કે ક્યાં જઈ રહ્યાં,

કોના ઇશારે આપણે આગળ વધી રહ્યાં?

જન્મોજનમના કોલ તને દઇને શું કરું?

જયાં એક ભવના વાયદા ખોટો પડી રહ્યા.

તું લાગણીનો ખેલ ફરીથી શરૂ ન કર,

રોઈ શકાય એટલાં આંસુ નથી રહ્યાં.

પામ્યાં જબાન તોય કશું બોલતાં નથી,

ખુદના જ શબ્દ જેમને કાયમ નડી રહ્યા.

ભૂલી ગયાં કે બ્રહ્મ તણા અંશ છો તમે !

ચપટીક સુખને માટે તમે કરગરી રહ્યાં !

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

Older Posts »