Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘ગીત’ Category

પલ્લવ

મિત્રો, આજે અમારો પુત્ર પલ્લવ છ વર્ષ પૂરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. અમારા જીવનમાં એના એના પ્રવેશ પછી કવિતા લખવાની અને કવિતા જીવવાની મજા કંઇક અનેકગણી વધી ગઇ છે.  શરૂઆતમાં એ બહુ જ ડાહ્યો અને શાંત હતો એ જોઇને મને ને સ્મિતાને ચિંતા થતી પણ પછી ધીમે ધીમે એ થોડી ધમાલ–મસ્તી કરતો થયો ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો.આ છ વર્ષનો આનંદ આ એક કવિતામાં વ્યક્ત કરું છુ.

‘ટાટા’ કરતી હથેળી જોઇ આગળ દિવસ ધપાવું છું,

મળે મલકતો માસૂમ ચહેરો, જયારે ઘેરે આવું છું.

અમારા જીવનમાં કાયમનો ઉત્સવ થઇને આવ્યો,

ખિલખિલાટનો  આખો દરિયો પલ્લવ થઇને આવ્યો.

દબાયેલા મસ્તીના રાગો એની સંગ રેલાવું છું.

જીવવાની બાકી રહી ગઇ’તી એ સઘળી ક્ષણ જીવ્યો,

એની સાથે રમવામાં હું મારું બચપણ જીવ્યો.

એમ લાગતું રમકડાં હું મારા માટે લાવું છું.

પત્ની જયારે પિયર જતી તો રાહ હું જોતો એની,

પહેલા જોતો રાહ એકની, હવે જોઉં છું બેની.

ધમાલ, મસ્તી, કલરવ વચ્ચે નોખા સપનાં વાવું છું.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

દીવો

મિત્રો,

દિવાળીની અઢળક શુભકામનાઓ સાથે આજે જ રચાયેલું એક તાજજું ગીત ખાસ આપના માટે.

ટમટમતો એક દીવો,

કહે કે મારા સાંનિધ્યમાં જિવાય એટલું જીવો.

બેસી રહેવાથી પણ અહિયાં વપરાશે બહુ તેલ,

જીવનમાં કૈં રમ્ય પળોની કરીએ રેલમછેલ.

સદાય ભીતર ફરતો રાખો મન નામે મરજીવો.

કેટકેટલા સમયના ટુકડા રહી ગયા છે કોરા,

મારી દિવેટમાંથી લઇ લો જોઇએ એટલા દોરા.

કાળઘસરકે ફાટી ગયેલી ઘટનાઓને સીવો.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

વરસાદનું ગીત

એ જ વળી શાહુકાર; એ જ વળી ચોર,

આ મેવલિયો ધરતીને કાદવથી ખરડે ને એ જ કરે નવલી નક્કોર.

ઇચ્છા ન હોય ત્યારે બિલકુલ ન વરસે ને ચોમાસું આખું બેકાર,

વરસે તો કોઇ વાર એવું એ વરસે કે થાય બધે જળબંબાકાર.

પાછળથી વૃક્ષોને મૂળથી ઉખાડે પણ પહેલા તો ગહેકાવે મોર !

ગમ્મે તે પહોરે એ તૂટી પડે એમ અજમાવે પોતાનું જોર,

સૂરજને ડોકિયુંય કરવા ન દે, એના ખિસ્સામાં આખો બપોર !

ગામ, ગલી, શહેર બધું શાંત કરી દે પછી પોતે મચાવે એ શોર.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

જળના પગના ઝાંઝરનું છમછમ સાંભળવા બેઠા,

પર્વત પણ સરવાણીની સરગમ સાંભળવા બેઠા.

સરવાણીમાં ભળી જવા આભેથી ઊતર્યા મેહ,

પાણીમાં પધરાવી દીધો આ પાણીનો દેહ.

ચાંદ–સિતારા વાદળના પડઘમ સાંભળવા બેઠા

ગળું નથી કે જીભ નથી તો પ્રગટે ક્યાંથી લય ?

ઝરણું ક્યાંથી બોલે છે એનું સૌને વિસ્મય !

પંખી પણ સંગીત કોઈ ઉત્તમ સાંભળવા બેઠા.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »