Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

Archive for the ‘Uncategorized’ Category

મિત્રો,

‘સાંનિધ્ય પ્રકાશન’ એ મારું વર્ષો જૂનું સ્વપ્ન હતું. જે હવે શરૂ થઇને બરાબર ગતિ કરી રહ્યું છે ત્યારે આ કાર્યમાં મને સહકાર આપનાર મિત્રોનો આજના મૈત્રીદિવસે હ્રદયપૂર્વક આભાર માનું છું.

‘સાંનિધ્ય પ્રકાશન’નું કાર્ય નિર્વિઘ્ને થતું રહે એ માટે એક યોજના અમલમાં મૂકી હતી ‘અડધી કિંમતે પુસ્તકપ્રાપ્તિ યોજના’.  જે અંતર્ગત  રૂ. ૫૦૦માં આજીવન સભ્ય થનાર મિત્રોને ‘સાંનિધ્ય પ્રકાશન’ દ્વારા પ્રકાશિત પુસ્તકો કાયમ માટે અડધી કિંમતે પ્રાપ્ત થશે. આ યોજનામાં અત્યાર સુધી ૩૧ મિત્રો લાગણીપૂર્વક જોડાઇ ચૂક્યા છે. મને આનંદ એ વાતનો છે કે મારા પર ભરોસો મૂકનાર આટલા બધાં મિત્રો છે!

આ રહ્યાં મારા એ મિત્રો….

૧. ડૉ. દિલીપ મોદી (જાણીતા કવિ અને માનીતા તબીબ)

૨. શ્રી નરેન્દ્ર સોલંકી (સાહિત્યરસિક શિક્ષક)

૩. શ્રી કમલેશ પટેલ (ખૂબ સારા વાર્તાકાર)

૪. શ્રી ખંડુભાઇ ચૌહાણ (કવિશ્રી)

૫. વિનોદભાઇ ગટોરવાળા (ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ)

૬. શ્રી રમેશ પટેલ (જાણીતા કવિ અને નિબંધકાર)

૭. શ્રી ધ્રુવ પટેલ (શિક્ષક)

૮. શ્રી થોભણભાઇ પરમાર (જાણીતા કવિ અને શિક્ષક)

૯. શ્રી બાબાભાઇ મહેતા (કવિ અને ઉદ્યોગપતિ)

૧૦. ડૉ. વિવેલ ટેલર (વેબજગતના વ્હાલા કવિ)

૧૧. શ્રી નવીનચંદ્ર ઝાલા (કવિ, પત્રકાર)

૧૨. ડૉ. રઇશ મનીઆર (જાણીતા ગઝલકાર, સંચાલક અને બાળમનોવૈજ્ઞાનિક)

૧૩.  શ્રી ભરતભાઇ પટેલ

૧૪. શ્રી અંકિત ત્રિવેદી (જાણીતા ગઝલકાર અને લોકપ્રિય સંચાલક)

૧૫. શ્રી અરવિદ મહેતા (જાણીતા આર્કિટેક્ટ અને સાહિત્યરસિક)

૧૬. શ્રીમતી યામિની વ્યાસ (જાણીતા કવયિત્રી, નાટ્યલેખિકા અને અભિનેત્રી)

૧૭. શ્રી કિરણ રોઝ (ઉભરતા કવિ)

૧૮. શ્રીમતી પ્રજ્ઞા વશી (જાણીતા કવયિત્રી, શિક્ષિકા)

૧૯. શ્રી ભૂપેન્દ્ર શેઠ ‘નીલમ’ (જાણીતા ગઝલકાર)

૨૦. મનિષ ઢીમર (સાહિત્યરસિક શિક્ષક)

૨૧. શ્રી નિકેશ સંઘવી (જાણીતા ગાયક, સ્વરકાર)

૨૨. શ્રી દિલીપ રાવલ (જાણીતા કવિ, નાયલેખક અને અભિનેતા)

૨૩. શ્રીમતી માલા શાહ  (સાહિત્યરસિક શિક્ષિકા)

૨૪. શ્રી મહેશ દાવડકર (જાણીતા ગઝલકાર અને ચિત્રકાર)

૨૫.  શ્રી ધર્મેશ સુરતી (સાહિત્યરસિકમિત્ર)

૨૬. શ્રી જિતેન્દ્ર ભાવસાર (ઉભરતા ગઝલકાર)

૨૭. શ્રી શૌનક પંડયા (લોકપ્રિય ગાયક અને સ્વરકાર)

૨૮. શ્રીમતી સ્મિતા પારેખ (કવયિત્રી અને વાર્તાકાર)

૨૯. શ્રી સુરેશ વિરાણી (જાણીતા ગઝલકાર અને સંચાલક)

૩૦. શ્રી ફયસલ બકીલી (કવિ અને પત્રકાર)

૩૧. શ્રીમતી સંધ્યા ભટ્ટ  (જાણીતા કવયિત્રી)

દોસ્તો, આપ પણ આ યોજનાનો લાભ લઇ ‘સાંનિધ્ય પ્રકાશન’ને બળ પૂરું પાડવા ઇચ્છતા હો તો  રૂ. ૫૦૦ ચેકથી અથવા મ.ઓ.થી નીચેના સરનામે મોકલી શકો છો. આપને ટપાલથી રસીદ અને સભ્ય કાર્ડ મોકલી આપવામાં આવશે.

૧૦૦. શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, પાલનપુરગામ રોડ, સુરત–૯

મો. ૯૩૭૪૭ ૩૭૪૦૯

આ યોજના અંગે કાંઇ પણ પૂછવું હોય તો ફોન પર અથવા ઇ–મેઇલ દ્વારા આપ પૂછી શકો છો.

khc150@gmail.com

Advertisements

Read Full Post »

લોકાર્પણની ક્ષણે શ્રી અમર પાલનપુરી, શ્રી રતિલાલ ‘અનિલ’, શ્રી આત્મારામ પરમાર અને પુસ્તકના સર્જક શ્રી કિસન સોસા.

કાર્યક્રમને માણી રહેલા કવિશ્રીઓ ડૉ. દિલીપ મોદી, શ્રી રમેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી મહેશ દેસાઇ, શ્રી કમલેશ પટેલ, શ્રી ગૌરવ ગટોરવાળા, શ્રી કિશોર સિંદૂરિયા, નવસારીથી પધારેલા શ્રી સુરેશ દેસાઇ, શ્રી ગોવિંદ મારુ, શ્રી ભૂપેન્દ્ર ઝેડ. અને અન્ય શ્રોતામિત્રો.

કાર્યક્રમને માણી રહેલા સાહિત્યકારશ્રીઓ શ્રી જનક નાયક, શ્રી લતીફ સુરતી, શ્રી રવીન્દ્ર પારેખ, શ્રી બકુલેશ દેસાઇ અને અન્ય શ્રોતામિત્રો.

પોતાના હ્રદયની વાત રજૂ કરી રહેલા કવિશ્રી કિસન સોસા

કાર્યક્રમના પ્રમુખ તરીકે ઉદબોધન કરી રહેલા શ્રી રતિલાલ ‘અનિલ’. સાથે મંચસ્થ મહાનુભાવો શ્રી અમર પાલનપુરી, શ્રી સુરેશ વિરાણી, શ્રી આત્મારામ પરમાર, શ્રી કિસન સોસા અને શ્રી કિરણસિંહ ચૌહાણ

કાર્યક્રમનું સંચાલન કરી રહેલા કવિશ્રી સુરેશ વિરાણી અને કાર્યક્રમને કેમેરામાં કંડારી રહેલા શ્રી ભરત મકવાણા.

મિત્રો, આપ સૌની શુભેચ્છાથી આપણું  ‘સાંનિધ્ય પ્રકાશન’ ઝડપથી પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યું છે. દોઢ મહિના પહેલા યુવાન કવિ ગૌરવ ગટોરવાળાના પુસ્તકનું પ્રકાશન કર્યું અને ગઇકાલે કવિશ્રી કિસન સોસાના ૧૩મા પુસ્તકનું પ્રકાશન કર્યું. આ પુસ્તકનો પરિચય અહીં પ્રસ્તુત કરું છું.

ભાષાસૌંદર્ય અને કલ્પનાસૌંદર્યથી મંડિત ગઝલસંગ્રહ

‘પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ’

ગુજરાતી સાહિત્યને અગાઉ ૧૨ જેટલા સત્વશીલ પુસ્તકો આપીને સુશોભિત કરનાર કવિશ્રી કિસન સોસા એમના તેરમા પુસ્તક તરીકે ‘પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભી છે ગઝલ’ ગઝલસંગ્રહ આપી રહ્યા છે ત્યારે ભાષાસોંદર્ય અને કલ્પનાસૌંદર્યથી મંડિત આ ગઝલસંગ્રહ વિશે વાત કરવાની રજા લઉં છું.

આ સંગ્રહમાં સમાવિષ્ટ ૭૭ ગઝલોમાં દરેક રંગ, દરેક રસ અને ભાષાનો ઉત્કૃષ્ટ વિનિયોગ જોવા મળે છે.

સંગ્રહની પ્રથમ ગઝલથી જ કવિ જમાવટ કરે છે–

પોસ્ટ સ્ટેન્ડ પાસે ઊભેલી ગઝલ,

કો’ સરળ સાદી પ્રતિમા શી ગઝલ.

શબ્દમાં આજેય ઊભી તાજીતમ્,

કૈં જમાના, દૌરને ઠેલી ગઝલ.

આ સંગ્રહની ગઝલો ઇન્દ્રિયસંવેદ્યતાથી ભરપૂર બની છે. કવિએ વરસાદનું જે ચિત્ર ઊભું કર્યું છે એ માણવા જેવું છે–

ઝરમરે વાછટ મૂશળધારે વરસવું,

કેટલું અદભુત છે આકાશથી જળનું ઉતરવું.

મેડી પર છાઇ ઘટાનું નળિયે, નેવેથી ઉતરવું,

માટીની ભીની સુવાસે આગણાંનું શ્વાસ ભરવું.

માણસ શ્વાસ ભરે છે ત્યારે એને જીવન મળે છે પણ જયારે આંગણું શ્વાસ ભરે છે ત્યારે કવિતા મળે છે.

તો આ એક ઉદાહરણ માણવા જેવું છે–

ઓસની માફક ઝર્યો છું રાતના છેલ્લા પ્રહરમા,

ફૂલ પર્ણો પર સર્યો છું રાતના છેલ્લા પ્રહરમાં.

ઊંઘરેટી શેરીએથી વાંસળીના સૂર જેવી,

લહેર થઇને નીસર્યો છું રાતના છેલ્લા પ્રહરમાં.

પ્રણયની રંગોળી કવિએ અહિ બહુ સાદગીથી પૂરી છે–

ન જાણે કેટલી ભીંતોને ભેદી બારણે આવ્યા,

પરંતુ આવી આવી આમ બસ સંભારણે આવ્યા!

હવે પછીની પંક્તિઓમાં કવિએ ભાષા પાસેથી કેવું કામ કઢાવ્યું છે એ જુઓ–

હું તને પામી ગયો છું એટલું બસ યાદ છે,

સૂર્યમાં થીજી ગયો છું એટલું બસ યાદ છે.

તેં અહર્નિશ યાદ રાખીને ભુલાવ્યો છે મને,

હું તને ભૂલી ગયો છું એટલું બસ યાદ છે.

જો કે સમય સમયનું કામ કરતો હોય છે એટલે જ કવિ લખે છે–

યાદ કાયમ કોઇની રહેતી નથી,

ઉમ્રભર આંખો ભીની રહેતી નથી.

કિસનભાઇની શૃંગારવર્ણન શૃંખલામાં જયારે સુરતનો ચૌટાપુલ જેવો વિસ્તાર આવી જાય છે ત્યારે શું થાય છે જુઓ–

મુગ્ધ મન્મથ પથ ભૂલે, ચૌટાપુલે,

રંગમય સ્વપ્નો ઝૂલે, ચૌટાપુલે.

રૂપને દરિયે પવન હિલ્લોળતા,

પાલવોના શઢ ફૂલે, ચૌટાપુલે.

તો વિપ્રલંભ શૃંગાર તો બેનમૂન રીતે વ્યક્ત થાય છે–

ગામ મધ્ય હંસનો ધવલ પડાવ – તું નથી,

ફૂલ ફૂલ ઓસસિક્ત, રિક્તભાવ, તું નથી.

લખવું જ હોય તો વિષયની ખોટ નથી. કવિએ રાશિઓ ઉપર પણ ગઝલ લખી છે.

‘મકર’ પાણીમાં, ‘કુંભ’ ખાલી, મિથુન !

સળગતી તરસ, રિક્ત પ્યાલી, મિથુન !

ગઝલને ઉપકારક એવી બોલચાલની શૈલી પણ કવિ અહીં પ્રયોજે છે–

વાદળામાં પાણી છે? હા પાણી છે,

કેવી રીતે વાત આ તેં જાણી છે?

એક ટીપે ભીંજવ્યો નખશિખ મને,

એક ટીપે વાત આ પિછાણી છે.

ખેંચાણ જિંદગીનું ને મૃત્યુની તાણ જો,

શ્વાસોના આ ચઢાવ ને ઉતાર જાણ, જો !

એ વાયરાએ કોણ ખવૈયો હલેસતો?

કેવું સરળ વહી રહ્યું વાદળનું વ્હાણ, જો !

ભાવાંજલિ અર્પતી ગઝલોમાંનું કાવ્યતત્વ પણ અહી ધ્યાન ખેંચે છે–

કવિ રમેશ પારેખની સ્મૃતિમાં લખાયેલી બંને ગઝલોમાં સ્મૃતિ અને કૃતિ બંને આસ્વાદ્ય બન્યા છે–

સૂર્ય જેવો પર્ણે પર્ણે લીલું ટહુકાયો કવિ,

લયનો લીલોછમ સૂડો, શબ્દે સુગંધાયો કવિ.

દૈદિપ્યમાન સૂર્યે સૂર્યે ઝળહળ રમેશ પારેખ,

જીવ પર ઝીણું ઝરપતું ઝાકળ રમેશ પારેખ.

અહીં જીવ શબ્દ મૂકીને કવિએ પંક્તિમાં જીવ રેડી દીધો.

સંગીતકાર જયકિશનજીની યાદમાં કિસનભાઇએ જે લખ્યું છે એ બેનમૂન છે–

પીંછું ખરી ગયું ફરી વગડાની આસપાસ,

જાળું ગૂંથાય મૌનનું ટહુકાની આસપાસ.

શિવરંજની ને સોહિણી ને ભૈરવી ઉદાસ,

ખલ–ખંજરી બજી રહી વીણાની આસપાસ.

અને આ બે પંક્તિઓ તો કિસનભાઇના વ્યક્તિત્વને બરાબર અનુસરે છે–

છે જિંદગી એક ખેલ તો એ ખેલ મુસાફિર !

પ્રત્યેક ખૂણે મોજથી બસ ટહેલ, મુસાફિર !

આ સંગ્રહમાં મને સૌથી વધુ ગમી હોય તો તે ગઝલ છે ‘કબ્ર પર ક્યારી’ વાત મૃત્યુ પછીની છે પણ કવિએ એમાં અઢળક સૌંદર્ય છલકાવી દીધું છે.

ફૂલ ખુશ્બૂએ છલકતી કબ્ર પર ક્યારી કરી,

જિંદગી માફક સ્મરણની સેજ પણ ન્યારી કરી.

ગીત ગૂંથી ગૂંથી ગલગોટે ગજબ ગજરો કર્યો,

ને ગઝલની પણ કમળદાંડી સમી ભારી કરી.

આ ઉપરાંત કેટલીક ગઝલો બહુ નિરાળી બની છે એમાં ‘એ બારી, સૂર્યની સગડી, છલોછલ જળે મૂંગી માછલી, મધમાખી મેડીએ, રસ્તો બતાવ, અવાજ’ વગેરેની નોધ લેવી જ પડે.

છેલ્લે કિસનભાઇની આ ચાર પંક્તિઓથી હું મારી વાત પૂરી કરું છું

તારા જ ખ્યાલની એ હવા હોય પણ ખરી,

ફરફરતી મયસદન પે ધજા હોય પણ ખરી.

દરવાજે લાલ અક્ષરે લખ્યું ‘પ્રવેશ બંધ’,

દીવાલ ઠેકવાની રજા હોય પણ ખરી.

કિંમત – રૂ. ૮૦ (‘સાંનિધ્ય પ્રકાશન’ના આજીવન સભ્યો માટે રૂ. ૪૦)

પ્રાપ્તિસ્થાન –૧૦૦, સાંનિધ્ય પ્રકાશન, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત – ૯,

મો. ૯૩૭૪૭૩૭૪૦૯ ઇમેઇલ – khc150@gmail.com

Read Full Post »

પલ્લવ

મિત્રો, આજે અમારો પુત્ર પલ્લવ છ વર્ષ પૂરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે. અમારા જીવનમાં એના એના પ્રવેશ પછી કવિતા લખવાની અને કવિતા જીવવાની મજા કંઇક અનેકગણી વધી ગઇ છે.  શરૂઆતમાં એ બહુ જ ડાહ્યો અને શાંત હતો એ જોઇને મને ને સ્મિતાને ચિંતા થતી પણ પછી ધીમે ધીમે એ થોડી ધમાલ–મસ્તી કરતો થયો ત્યારે અમારા જીવમાં જીવ આવ્યો.આ છ વર્ષનો આનંદ આ એક કવિતામાં વ્યક્ત કરું છુ.

‘ટાટા’ કરતી હથેળી જોઇ આગળ દિવસ ધપાવું છું,

મળે મલકતો માસૂમ ચહેરો, જયારે ઘેરે આવું છું.

અમારા જીવનમાં કાયમનો ઉત્સવ થઇને આવ્યો,

ખિલખિલાટનો  આખો દરિયો પલ્લવ થઇને આવ્યો.

દબાયેલા મસ્તીના રાગો એની સંગ રેલાવું છું.

જીવવાની બાકી રહી ગઇ’તી એ સઘળી ક્ષણ જીવ્યો,

એની સાથે રમવામાં હું મારું બચપણ જીવ્યો.

એમ લાગતું રમકડાં હું મારા માટે લાવું છું.

પત્ની જયારે પિયર જતી તો રાહ હું જોતો એની,

પહેલા જોતો રાહ એકની, હવે જોઉં છું બેની.

ધમાલ, મસ્તી, કલરવ વચ્ચે નોખા સપનાં વાવું છું.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

ઓ.કે.

મિત્રો, એક નવી રચના મૂકી રહ્યો છું. જે કાગળ પર લખાય એ પહેલા હ્રદયમાંથી સીધી બ્લોગ પર ઊતરી રહી છે.

મોડો પહોંચે દરેક મોકે,

ને નસીબની પત્તર ઠોકે !

છાપ અમારી સારી તેથી,

જયાં ને ત્યાં આદર્શો રોકે !

જે હો સીધેસીધું ક્હે ને !

શું છે આ જો કે, ધારો કે…?

એણે કીધું છૂટા પડીએ,

મેંય હસીને કીધું, ‘ઓ.કે.’

ગઝલ લખી મન શાંત થઇ ગયું,

બાળક વળગ્યું માની ડોકે.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

મિત્રો,

‘સાંનિધ્ય પ્રકાશન’ના કાર્યને આપ સૌએ બિરદાવ્યું એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મારા ઘણા મિત્રોને એવી ચિંતા સતાવી રહી છે કે આ પ્રકાશન પ્રવૃત્તિમાં હું મારી સર્જન પ્રવૃત્તિ ભૂલી ન જાઉં. પણ હું મારા મિત્રોને એવી ફરિયાદનો મોકો નહીં જ આપું એની બાહેંધરીરૂપે આ ગઝલ…

તડકાના ત્રાટકમાં જીવ્યા, વરસાદી વાછટમાં જીવ્યા,

કાયમ એક ખુમારી સાથે ઘટમાં તોયે વટમાં જીવ્યા.

આંખ, હોઠ ને હ્રદયની વચ્ચે થીજેલા સંકટમાં જીવ્યા,

મર્યાદાની ચુનરી ઓઢી સપનાઓ ઘૂંઘટમાં જીવ્યા.

આ તે કેવો મનસૂબો ને આ કેવી ખટપટમાં જીવ્યા?

તેજ સૂર્યનું ચોરી લેવા તારાઓ તરકટમાં જીવ્યા!

જીવ સટોસટની બાજી છે, તોપણ સાલું મન રાજી છે,

ભલે ચૈન ના પામ્યા તોયે મનગમતી એક રટમાં જીવ્યા.

સુગંધ ભીની સાંજની વચ્ચે, રંગીલા એકાંતની વચ્ચે,

શ્વાસ કસુંબલ માણ્યો જયારે જયારે તારી લટમાં જીવ્યા!

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

દોસ્તો,

આપ સૌની શુભેચ્છાઓના સહારે ‘સાંનિધ્ય પ્રકાશન’ને વેગવંતુ બનાવવા પ્રયત્ન કર્યો અને દિવસો સુધી યાદ રહી જાય એવી સફળતા મળી છે. ‘સાંનિધ્ય પ્રકાશન’ના ઉપક્રમે સુરતના યુવાન પ્રજ્ઞાચક્ષુ કવિ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયું’નું વિમોચન તા.૧૬મી મે, ૨૦૧૦ના રોજ ડૉ. રઇશ મનીઆરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી રૂપિન પચ્ચીગર અને શ્રી ધર્મેશ તમાકુવાળા ઉપસ્થિત રહ્યા હતા. સુંદર પુસ્તક પરિચય ડૉ. વિવેક ટેલરે આપ્યો હતો.  આ ક્ષણે સંગ્રહની મહામૂલી પ્રસ્તાવના લખનાર ડૉ. દિલીપ મોદી તેમજ શ્રી મોહનલાલ વાઘેલા, શ્રી રમેશ પટેલ, શ્રી કમલેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી ગૌરાંગ ઠાકર જેવા દિગ્ગજ સાહિત્યકારોએ પણ હાજરી આપી હતી.

ડૉ. રઈશ મનીઆરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘એક નવું પ્રકાશન શરૂ થાય છે એનો તો આનંદ છે જ સાથે સાથે એક નવા ગઝલકારનો તાજગીભર્યો ગઝલસંગ્રહ સાહિત્યજગતને મળી રહ્યો છે એનો ખૂબ આનંદ છે. વળી ગૌરવની ગઝલો વાંચતા ક્યાંય એની દૃષ્ટિહિનતા કળાતી નથી. એણે પૂરેપૂરી ખુમારીથી ગઝલો લખી છે.’ શ્રી રૂપિન પચ્ચીગરે ગૌરવને અઢળક શુભેચ્છઓ પાઠવી હતી. શ્રી ધર્મેશ તમાકુવાળાએ કહ્યું હતું કે ‘ગૌરવની ગઝલો સુખમાં બેચેન બનાવે છે અને દુઃખમાં રાહત આપે છે. ડૉ. વિવેક ટેલરે ઝીણવટભર્યા અભ્યાસ સાથે પુસ્તક પરિચય આપતા ‘પળનું પરબીડિયું’ બહુ સહજતાથી ઉઘાડી આપ્યું હતું. ગૌરવે જયારે પોતાની હ્રદયસ્પર્શી  જીવનકથા અને સર્જનયાત્રા વર્ણવી ત્યારે સભાખંડમાં કોઇ એવું નહોતું જેની આંખો ભીની ન થઇ હોય. આ પુસ્તકના પ્રકાશનથી ગૌરવ અને એના પરિવારજનોની પ્રસન્નતા જોતા ગૌરવના શિક્ષક તરીકે અને એક પ્રકાશક તરીકે મને જે આનંદ અને સંતોષની લાગણી થઇ એ અવર્ણનીય છે. સમગ્ર કાર્યક્રમનું સ–રસ સંચાલન ધો. ૧૧ના વિદ્યાર્થી અને ઉભરતા કવિ અભિષેક દેસાઇએ કર્યું હતું. પ્રારંભે પ્રાર્થના હિરલ જાજડિયા અને ડિમ્પલ દરજીએ કરી હતી. ગૌરવના મિત્રો રૂપેશ દવે, પ્રીતિ પટેલ અને હેમાંશુ મેવાવાલાએ ગૌરવની ગઝલોનું પઠન કર્યું હતું. અંતે આભારવિધિ મેહુલ પટેલે કરી હતી.

આ પ્રસંગે સાંનિધ્ય પ્રકાશન દ્વારા ‘અડધી કિંમતે પુસ્તકપ્રાપ્તિ યોજના’ પણ અમલમાં મૂકવામાં આવી હતી. જે અંતર્ગત માત્ર ૫૦૦ રૂપિયામાં આજીવન સભ્ય થનારને કાયમ માટે ‘સાંનિધ્ય પ્રકાશન‘ના પુસ્તકો અડધી જ કિંમતે પ્રાપ્ત થશે.

ગૌરવના થોડા શેર માણીએ…

આ જીવ લઇને હાથમાં ભાગે ચરણ સતત

પીછો કરે છે કોઇનું કાતિલ સ્મરણ સતત


પ્રતિબિંબ તારી આંખમાં જોયા પછી થયું,

કે ચાલશે હવે ઘરે દર્પણ ન હોય તો!


આંખનો વિસ્તાર જોતાં એક ચિંતા થાય છે,

સ્વપ્ન મોટું શી રીતે નાની જગામાં સાચવું?

ગૌરવ ગટોરવાળા રચિત ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ.

પ્રાપ્તિસ્થાન – સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯

મો. ૦૯૩૭૪૭ ૩૭૪૦૯ Email-sannidhya4u@gmail.com

ગૌરવ ગટોરવાળાના ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયુ’ના વિમોચનની ક્ષણે ડૉ. વિવેક ટેલર, કિરણસિંહ ચૌહાણ, ગૌરવ ગટોરવાળા, ડૉ. રઈશ મનીઆર અને શ્રી ધર્મેશ તમાકુવાળા.

ગૌરવ ગટોરવાળાનો પરિચય

૧૧ વર્ષની બાળ વયે એક માંદગી દરમિયાન દવાના રીએક્શનને કારણે ગૌરવની અશ્રુગ્રંથિઓ સુકાઇ ગઇ પરિણામે એની આંખોની દૃષ્ટિ ચાલી ગઇ. છતાં હિંમત હાર્યા વગર એણે અભ્યાસ ચાલુ રાખ્યો. અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો. જીવનભારતી વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરતો હતો ત્યારે હું શિક્ષક તરીકે શાળામાં દાખલ થયો. ગૌરવે એકવાર એની કાચીપાકી રચનાઓ મને બતાવી. મેં મારાથી શક્ય એટલી ગઝલલેખન વિશે સમજ આપી અને ગૌરવે ગઝલલેખન પાછળ સખત મહેનત શરૂ કરી દીધી અને એક પછી એક સુંદર ગઝલોનું સર્જન કરતો ગયો. એની ગઝલો મોટેભાગે મોઢવણિક જ્ઞાતિના મુખપત્ર ‘જયોતિર્ધર’માં પ્રગટ થતી રહી છે. એણે ગઝલલેખન માટે ઘણા પારિતોષિકો પણ મેળવ્યા છે.

નાની વયે દીકરાની દૃષ્ટિ ચાલી જતા હતાશ થયેલા માતા–પિતા દીકરાના જીવનમાં આવેલી આ ગઝલની રોશનીથી ખૂબ રાજી થયાં. ગૌરવની આ ગઝલસાધનામાં એના પિતા મહેશચંદ્ર ગટોરવાળા પણ સતત ખડે પગે રહ્યા ગૌરવના મનમાં રચાતી ગઝલોને કાગળ પર લખવાનું કામ તેઓ જ કરતા રહ્યા છે.

આજે ‘પળનું પરબીડિયું’ નામે ગૌરવની ગઝલો પુસ્તકનું સ્વરૂપ પામી રહી છે ત્યારે આનંદિત થવાનો આપણને સૌને પૂરેપૂરો અધિકાર છે.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

વાગે છે

મિત્રો,  હોળીની અઢળક શુભેચ્છાઓ સાથે એક હઝલ રમતી મૂકું છું.

 નવી મૂંઝવણ તું કાયમ ભેટ આપે છે,

ખરું બોલું છતાં ખોટું લગાડે છે.

અદાથી પગ ઉપર તું પગ ચડાવે છે,

જરા જો, બાજુનાને લાત વાગે છે.

કદી સીટી વગાડી ના શકું તેથી,

મને હસતો, સદા હસતો જ રાખે છે.

જુઓ પડછાયાને એ પગતળે કચડે,

ભલા બીજું તો એને કોણ ગાંઠે છે !

ભસે છે કૂતરાં તો કોઇ બીજાને,

નથી સમજાતું કે તું કેમ ભાગે છે.

કિરણસિંહ ચૌહાણ

Read Full Post »

Older Posts »