Feeds:
પોસ્ટો
ટિપ્પણીઓ

દોસ્તો,

આપ સૌની શુભેચ્છાઓના સહારે ‘સાંનિધ્ય પ્રકાશન’ને વેગવંતુ બનાવવા પ્રયત્ન કર્યો અને દિવસો સુધી યાદ રહી જાય એવી સફળતા મળી છે. ‘સાંનિધ્ય પ્રકાશન’ના ઉપક્રમે સુરતના યુવાન પ્રજ્ઞાચક્ષુ કવિ ગૌરવ ગટોરવાળાના પ્રથમ ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયું’નું વિમોચન તા.૧૬મી મે, ૨૦૧૦ના રોજ ડૉ. રઇશ મનીઆરના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે શ્રી રૂપિન પચ્ચીગર અને શ્રી ધર્મેશ તમાકુવાળા ઉપસ્થિત રહ્યા હતા. સુંદર પુસ્તક પરિચય ડૉ. વિવેક ટેલરે આપ્યો હતો.  આ ક્ષણે સંગ્રહની મહામૂલી પ્રસ્તાવના લખનાર ડૉ. દિલીપ મોદી તેમજ શ્રી મોહનલાલ વાઘેલા, શ્રી રમેશ પટેલ, શ્રી કમલેશ પટેલ, શ્રી મહેશ દાવડકર, શ્રી ગૌરાંગ ઠાકર જેવા દિગ્ગજ સાહિત્યકારોએ પણ હાજરી આપી હતી.

ડૉ. રઈશ મનીઆરે આ પ્રસંગે જણાવ્યું હતું કે ‘એક નવું પ્રકાશન શરૂ થાય છે એનો તો આનંદ છે જ સાથે સાથે એક નવા ગઝલકારનો તાજગીભર્યો ગઝલસંગ્રહ સાહિત્યજગતને મળી રહ્યો છે એનો ખૂબ આનંદ છે. વળી ગૌરવની ગઝલો વાંચતા ક્યાંય એની દૃષ્ટિહિનતા કળાતી નથી. એણે પૂરેપૂરી ખુમારીથી ગઝલો લખી છે.’ શ્રી રૂપિન પચ્ચીગરે ગૌરવને અઢળક શુભેચ્છઓ પાઠવી હતી. શ્રી ધર્મેશ તમાકુવાળાએ કહ્યું હતું કે ‘ગૌરવની ગઝલો સુખમાં બેચેન બનાવે છે અને દુઃખમાં રાહત આપે છે. ડૉ. વિવેક ટેલરે ઝીણવટભર્યા અભ્યાસ સાથે પુસ્તક પરિચય આપતા ‘પળનું પરબીડિયું’ બહુ સહજતાથી ઉઘાડી આપ્યું હતું. ગૌરવે જયારે પોતાની હ્રદયસ્પર્શી  જીવનકથા અને સર્જનયાત્રા વર્ણવી ત્યારે સભાખંડમાં કોઇ એવું નહોતું જેની આંખો ભીની ન થઇ હોય. આ પુસ્તકના પ્રકાશનથી ગૌરવ અને એના પરિવારજનોની પ્રસન્નતા જોતા ગૌરવના શિક્ષક તરીકે અને એક પ્રકાશક તરીકે મને જે આનંદ અને સંતોષની લાગણી થઇ એ અવર્ણનીય છે. સમગ્ર કાર્યક્રમનું સ–રસ સંચાલન ધો. ૧૧ના વિદ્યાર્થી અને ઉભરતા કવિ અભિષેક દેસાઇએ કર્યું હતું. પ્રારંભે પ્રાર્થના હિરલ જાજડિયા અને ડિમ્પલ દરજીએ કરી હતી. ગૌરવના મિત્રો રૂપેશ દવે, પ્રીતિ પટેલ અને હેમાંશુ મેવાવાલાએ ગૌરવની ગઝલોનું પઠન કર્યું હતું. અંતે આભારવિધિ મેહુલ પટેલે કરી હતી.

આ પ્રસંગે સાંનિધ્ય પ્રકાશન દ્વારા ‘અડધી કિંમતે પુસ્તકપ્રાપ્તિ યોજના’ પણ અમલમાં મૂકવામાં આવી હતી. જે અંતર્ગત માત્ર ૫૦૦ રૂપિયામાં આજીવન સભ્ય થનારને કાયમ માટે ‘સાંનિધ્ય પ્રકાશન‘ના પુસ્તકો અડધી જ કિંમતે પ્રાપ્ત થશે.

ગૌરવના થોડા શેર માણીએ…

આ જીવ લઇને હાથમાં ભાગે ચરણ સતત

પીછો કરે છે કોઇનું કાતિલ સ્મરણ સતત


પ્રતિબિંબ તારી આંખમાં જોયા પછી થયું,

કે ચાલશે હવે ઘરે દર્પણ ન હોય તો!


આંખનો વિસ્તાર જોતાં એક ચિંતા થાય છે,

સ્વપ્ન મોટું શી રીતે નાની જગામાં સાચવું?

ગૌરવ ગટોરવાળા રચિત ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયું’  કિંમત ૬૦ રૂ.

પ્રાપ્તિસ્થાન – સાંનિધ્ય પ્રકાશન, ૧૦૦, શાંતિકુંજ સોસાયટી, પાલનપુર જકાતનાકા, સુરત–૯

મો. ૦૯૩૭૪૭ ૩૭૪૦૯ Email-sannidhya4u@gmail.com

ગૌરવ ગટોરવાળાના ગઝલસંગ્રહ ‘પળનું પરબીડિયુ’ના વિમોચનની ક્ષણે ડૉ. વિવેક ટેલર, કિરણસિંહ ચૌહાણ, ગૌરવ ગટોરવાળા, ડૉ. રઈશ મનીઆર અને શ્રી ધર્મેશ તમાકુવાળા.

ગૌરવ ગટોરવાળાનો પરિચય

૧૧ વર્ષની બાળ વયે એક માંદગી દરમિયાન દવાના રીએક્શનને કારણે ગૌરવની અશ્રુગ્રંથિઓ સુકાઇ ગઇ પરિણામે એની આંખોની દૃષ્ટિ ચાલી ગઇ. છતાં હિંમત હાર્યા વગર એણે અભ્યાસ ચાલુ રાખ્યો. અને અંગ્રેજી વિષય સાથે અનુસ્નાતક થયો. જીવનભારતી વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરતો હતો ત્યારે હું શિક્ષક તરીકે શાળામાં દાખલ થયો. ગૌરવે એકવાર એની કાચીપાકી રચનાઓ મને બતાવી. મેં મારાથી શક્ય એટલી ગઝલલેખન વિશે સમજ આપી અને ગૌરવે ગઝલલેખન પાછળ સખત મહેનત શરૂ કરી દીધી અને એક પછી એક સુંદર ગઝલોનું સર્જન કરતો ગયો. એની ગઝલો મોટેભાગે મોઢવણિક જ્ઞાતિના મુખપત્ર ‘જયોતિર્ધર’માં પ્રગટ થતી રહી છે. એણે ગઝલલેખન માટે ઘણા પારિતોષિકો પણ મેળવ્યા છે.

નાની વયે દીકરાની દૃષ્ટિ ચાલી જતા હતાશ થયેલા માતા–પિતા દીકરાના જીવનમાં આવેલી આ ગઝલની રોશનીથી ખૂબ રાજી થયાં. ગૌરવની આ ગઝલસાધનામાં એના પિતા મહેશચંદ્ર ગટોરવાળા પણ સતત ખડે પગે રહ્યા ગૌરવના મનમાં રચાતી ગઝલોને કાગળ પર લખવાનું કામ તેઓ જ કરતા રહ્યા છે.

આજે ‘પળનું પરબીડિયું’ નામે ગૌરવની ગઝલો પુસ્તકનું સ્વરૂપ પામી રહી છે ત્યારે આનંદિત થવાનો આપણને સૌને પૂરેપૂરો અધિકાર છે.

કિરણસિંહ ચૌહાણ

Advertisements

વાગે છે

મિત્રો,  હોળીની અઢળક શુભેચ્છાઓ સાથે એક હઝલ રમતી મૂકું છું.

 નવી મૂંઝવણ તું કાયમ ભેટ આપે છે,

ખરું બોલું છતાં ખોટું લગાડે છે.

અદાથી પગ ઉપર તું પગ ચડાવે છે,

જરા જો, બાજુનાને લાત વાગે છે.

કદી સીટી વગાડી ના શકું તેથી,

મને હસતો, સદા હસતો જ રાખે છે.

જુઓ પડછાયાને એ પગતળે કચડે,

ભલા બીજું તો એને કોણ ગાંઠે છે !

ભસે છે કૂતરાં તો કોઇ બીજાને,

નથી સમજાતું કે તું કેમ ભાગે છે.

કિરણસિંહ ચૌહાણ

નહીં થા

શનિવાર, તા. ૧૬મી જાન્યુઆરીએ રાંદેરમાં એક જોરદાર ઉર્દૂ મુશાયરો યોજાઇ ગયો. રાત્રે ૧૧ વાગ્યે શરૂ થયેલો મુશાયરો સવારે ૫ વાગ્યા સુધી નોનસ્ટોપ ચાલ્યો અને જે મઝા પડી… જે મઝા પડી… અરે! બહુ મઝા પડી. એમાંય નઈમ અખ્તર જેવા જોરદાર શાયર હોય, અલ્તાફ ઝિયા જેવા જોશીલા યુવાન શાયર હોય,  ખલીલ ધનતેજવી જેવા દમદાર શાયર હોય અને જનાબ ઇકબાલ મલિક ‘વસીમ’નું આયોજન હોય પછી તો જલસા જ હોય ને! આ મુશાયરો માણતા માણતા મારાથી પણ એક ઉર્દૂ ગઝલ રચાઇ ગઇ. બતાવું ? હેં બતાવું….? આ રહી…..

સિવા મૌત કે કોઈ ચારા નહીં થા,

તુમ્હારી કસમ, તબ ભી હારા નહીં થા.

તભી તો મૈં ઉસપે ગઝલ લિખ ન પાયા,

કભી ઘાવ દિલ કા સંવારા નહીં થા.

મુસીબત મેં તુઝકો કરુ યાદ કૈસે,

ખુદા કો ભી મૈંને પુકારા નહીં થા.

મૈં બહતા ગયા ઔર બહતા ગયા બસ,

સમંદર કો મેરે, કિનારા નહીં થા.

નિગાહોં કો પઢકે હી ગાતા રહા મૈં,

લબોં પે તુમ્હારે ‘દુબારા’ નહીં થા.

કિરણસિંહ ચૌહાણ

બહુ નથી

એમના રસ્તામાં ઠોકર બહુ નથી,

જેમની દુનિયામાં ઇશ્વર બહુ નથી.

ખુશ થવાના તેથી અવસર બહુ નથી,

સૌને પગ છે, તોય પગભર બહુ નથી.

એને ઉકેલ્યા નહીં બસ એટલે,

પ્રશ્ન ઝાઝા છે ને ઉત્તર બહુ નથી.

મેઘ વરસે તે છતાં દુષ્કાળ છે,

ખેડવા માટેના ખેતર બહુ નથી.

તુંય ડગ એકાદ ભર ને જો પછી,

આપણી વચ્ચેનું અંતર બહુ નથી.

કિરણસિંહ ચૌહાણ

સહજ લાગે

તું લબ ખોલે, ષડ્જ લાગે,

ઘણી મીઠી તરજ લાગે.

મેં જોયું વાંસળી દ્વારા,

જગત આખુંય વ્રજ લાગે.

જરા બાળકની નજરે જો,

બધું કેવું સહજ લાગે !

હે ઇશ્વર ! તું કૃપા ના કર,

મને એ પણ કરજ લાગે.

તમારી ઓઢણી ફરકે,

અને સૌંદર્યધ્વજ લાગે.

કિરણસિંહ ચૌહાણ

વાયર જોજે

મિત્રો,

ગત તા. ૨૦મીએ સાહિત્યસંગમ ખાતે જનકભાઇના સુપુત્ર ચિંતનના લગ્નપ્રસંગે એક પ્રણય કવિસંમેલનનું આયોજન થયું હતું. ત્યાં માઇકનો વાયર સહેજ લાંબો હોવાથી એમાં કોઇ ગંભીર કવિ ભેરવાઇને હાસ્યકવિ સાબિત ન થાય કે હાસ્યકવિ ભેરવાઇને ગંભીર ન થાય એ માટે કવિશ્રી નયન દેસાઇ દરેક કવિને ચેતવતા કે  ‘ભાઇ વાયર જોજે.’  બસ.. આ શબ્દો મનમાં રમ્યા કરતા હતા અને મોજ ખાતર એક  હળવી રચના કરી. જે તમારી સામે રજૂ કરું છું. અને એક ખાસ વાત જણાવી દઉં કે આ હઝલમાં મેં જે કવિની વાત કરી છે એ ત્યાં કાર્યક્રમમાં રજૂ થયેલા કવિમિત્રોમાંથી કોઇ નથી.

ગઝલ તેં સુંદર કહી, હવે તું વાયર જોજે,

શ્રોતાઓને નહીં, હવે તું વાયર જોજે.

આમ નશીલી દાદની વચ્ચે ગૂમ ન થા,

ભાનમાં થોડો રહી, હવે તું વાયર જોજે.

સાંઠ વરસ પહેલાની પીડા યાદ ન કર,

એનું શું છે અહીં ?  હવે તું વાયર જોજે.

અંગત વાતો કહેવાઇ ગઇ તો ચિંતા છોડ,

આબરૂ ગઇ કે રહી! હવે તું વાયર જોજે.

દસ દસ કાવ્યો કહી પૂછે કે ‘બીજાં કહું?’

સૌ ચિલ્લાયા ‘નહીં….’ હવે તું વાયર જોજે.

કિરણસિંહ ચૌહાણ

સાધના કરવી પડે

ના મળે અધિકાર ત્યારે ગર્જના કરવી પડે,

નહિ તો આખી જિંદગી બસ યાચના કરવી પડે.

એટલા સહેલાઇથી બદનામ પણ ના થઇ શકો,

એના માટે પણ જગતમાં નામના કરવી પડે.

આપવા માગે જ છે તો આટલું દઇ દે મને,

યાદ એવી આપ જેને યાદ ના કરવી પડે !

આપણે એવી રમત રમવી નથી જેમાં સતત,

અન્ય હારી જાય એવી કામના કરવી પડે.

આમ તો પ્રત્યેક જણ યોગી છે અથવા સંત છે,

સાવ નાની વાતમાં અહિ સાધના કરવી પડે.

કિરણસિંહ ચૌહાણ